મન મોગરો
મન મોગરો
મહેકે છે નિત એ આ હૈયે, આ તનમાં,
શ્વાસે ને શમણે એમ રહેતો મન મોગરો !
એના સંગે મધુર આ જીવન સફળ છે ને,
વહેતી પળોને અજવાળતો મન મોગરો !
જીવતરની સફરે સદા મારગ મહેકાવે વળી,
કારણ એ હર્ષનું ગૃહ કિલ્લોલ મન મોગરો !
હલેસું એ નૌકા કેરું વળી સઢ એ સદાનો,
મારી હિંમતનો હાથ થઈ રહેતો મન મોગરો !
સુખે એ સુખી અહીં દુઃખમાં ભાગીદાર બને,
હર સંકટને ખાળવાનું ખમીર મન મોગરો !
વેલ એ વીંટળાયેલ આ થડ ને પ્રચુર વળી,
પોષતો નિજ સ્નેહ કેરી ધારથી મન મોગરો !
પ્રીત પમરે સહજ થઈ નિત પ્રસરતો હૃદયે,
ફંફોસુ અહીં તહીં પણ મનમાં મન મોગરો !
મમ જિહ્વાનો સ્વાદ ને તનનો ચમકાર વળી,
આ જીવનના પડદા સજાવતો મન મોગરો !
સાત જન્મોનો વાયદો અહીં ઓછો છે ભલા,
આ જીવ કેરો જીવ છે એ મારો મન મોગરો !
મહેકે છે નિત એ આ હૈયે આ તન માંહી,
શ્વાસે ને શમણે એમ રહેતો મન મોગરો !

