મ્હોરશે સગપણ ખરા
મ્હોરશે સગપણ ખરા
આશિષ ગ્રહી લઇ આપ્ત જનના બાંધજે સગપણ ખરા
છે સંપદા અણમોલ માની માણજે સગપણ ખરા
બંધાય જાવું સ્નેહ સૂત્રે બસ વડીલો હા કહે,
જીવન બને આદર્શ ઉમદા, કોળશે સગપણ ખરા
પડકાર છોને આવતા, કરમાં ધરી કર ચાલશું,
વિશ્વાસને મજબૂત રાખો, મ્હોરશે સગપણ ખરા
સંગાથ ગમતીલો કરી ને ચાલશું, સંસારમાં,
શ્રદ્ધા તણી જો જ્યોત ઉંજો, શોભશે સગપણ ખરા
સમ્માન દઇને પામશું સમ્માન, સ્મરણે રાખશું,
સરિતા વહાવું સ્નેહની તો મ્હોરશે સગપણ ખરા
દઇ હૂંફ આજીવન થશે અમ જીવતર પણ ઉજળા,
ઉરમાં ધરીશું નેહને તો ખોળશે સગપણ ખરા
છે આરદા મુજ એટલી રંગો રહે રળિયાત બસ,
દીધાં વચનને પાળશું, ના લોપશે સગપણ ખરા
