મેહુલિયો તું આવો કેવો ?
મેહુલિયો તું આવો કેવો ?
ક્યારેક રીમઝીમ પડે ક્યારેક મુશળધાર
આમ જ હસાવે ને આમ જ રડાવે !
પ્રેમીજનો પર ઝાપટુ બની વરસે!
અવનિમાં મહેંક છાંટી છાનોમાનો નિરખે
મેહુલિયો તું આવો કેવો ? રમતિયાળ!
ક્યારેક ખૂબ ગડગડાટ કરે વીજ ધમાકા
કરે જળબંબાકાર ને મચાવે હાહાકાર !
તાંડવ કરી ભેટ કરે યમરાજને નિર્દોષોની
નાનામોટા પ્રાણીઓને વહાવે તું પુરમાં
મેહુલિયો તું આવો કેવો ? નિષ્ઠુર!
ક્યારેક કરે તું નભને સાવ કોરોકટ
તડકો અપરંપાર ને રસ્તા ભેંકાર !
મેઘદૂત જેવા વાદળ વરસ્યા વિના જાય
વિદર્ભનાં ખેડૂત ચિંતા મહી ઘેરાય !
મેહુલિયો તું આવો કેવો ? મનમૌજી!
નૈરૂત્યનાં પવનો વિફર્યા, બંગાલથી
આવતા ઐરાવત વાદળ કોરા કોરા!
રડાવે તું જગતનાં તાતને શીદને
?
આ શું કલિયુગે ખેડુતોનાં ભોગ શીદને?
મેહુલિયો તું આવો કેવો? નિર્દય!
તારા રીસામણાં મનામણાં રોજરોજ
હવે દોરાધાગા મંત્રો યજ્ઞો વારંવાર!
મેઘરાજ કહી ચડાવી દીધો છે તને !
ધરતીમાનો પોકાર નથી સંભળાતો તને?
મેહુલિયો તું આવો કેવો? અભિમાની!
આકાશ પાતાળ એક કર્યા છે મનુષ્યોએ
તને રીઝવવા વેર ભૂલી એક થયા છે સૌ
પ્રેમની ભાષા શીખવવી પડશે શું તને ?
વિરહી ધરાને તૃપ્ત કરવા આવીશ ક્યારે
મેહુલિયો તું આવો કેવો ? નટખટ!
આવ હવે તું વ્હાલનાં વારિ વરસાવ
પૃથ્વીને તું લીલી ચુંદડી ઓઢાડ !
ફૂલડાથી એને તું શણગાર હવે !
માનવ હૈયામાં ઉમંગ જગાવ હવે !
મેહુલિયો તું આવો કેવો? વ્હાલમ!