મારું શોભે છે વૃંદાવન
મારું શોભે છે વૃંદાવન
એક મજાનું, છેક મજાનું, મનગમતું, મનભાવન,
ગોકુળીયાની પડખે મારું શોભે છે વૃંદાવન.
યમુના કાંઠે પ્રેમ ભરેલા જળને સ્પર્શી લેતું,
કાળીનાગનું દમન કરીને જીવતર અર્પી દેતું,
નટખટડું ને કામણગારું, આંખોમાં છે આંજણ,
ગોકુળીયાની પડખે મારું શોભે છે વૃંદાવન.
મોરલડીનાં સૂર ભરીને કદંબ ડાળે બેઠું,
મોરપીંચ્છથી વાંકળિયાળા કેશ સજાવી લેતું,
નાના-નાના ડગલે એ તો કરતુ આવન-જાવન,
ગોકુળીયાની પડખે મારું શોભે છે વૃંદાવન.
રાસે રમતું ગોપી સાથે, રાધા સાથે રહેતું,
મટકી ફોડી માખણની ને ગોવાળીયાને દેતું,
એના તોફાનો પણ સૌને લાગે છે મનભાવન,
ગોકુળીયાની પડખે મારું શોભે છે વૃંદાવન.
