લાવ ખડીયો પેન
લાવ ખડીયો પેન
લાવ ખડિયો, પેન હું કાગળ લખું,
ને ગઝલને નામ હું પળ પળ લખું..
ચાંદ તારાથી સજયું આકાશ છે,
આવ ધરતી પર જરા વાદળ લખું..
રાત લાગે છે ઘણી સોહામણી,
લાગશે કો'ની નજર, કાજળ લખું..
દુઃખનો તડકો હૃદયમાં છે ઘણો,
પાંપણોના છાંયડે ઝાકળ લખું..
જિંદગી હરદમ મને છળતી રહી,
આજતો હું જિંદગીને છળ લખું..
સ્મિત રાખીને સદા ચ્હેરા ઉપર,
ભીતરે હું રોજ દાવાનળ લખું..
રેતના દરિયા દિશે છે ચોતરફ,
છે તો મૃગજળ કેમ,એને જળ લખું..
બસ હવે બીજું કશું જોતું નથી,
તું મળે તો પ્રેમનું અંજળ લખું..
છે અધૂરી ક્યારની મારી ગઝલ,
દાદ આપો તો હવે આગળ લખું..
થાક લાગ્યો છે મને ઓ જિંદગી,
પોઢવાને મોતનું આંચળ લખું..