મારો હાથ ઝાલીને
મારો હાથ ઝાલીને
દુનિયા દેખાડ મને મારો હાથ ઝાલીને,
પ્રીતની નાવડીમાં બેસાડ મારો હાથ ઝાલીને,
આ પ્રીતની ભીની ભીની મોસમ છલકે,
ફોરમનાં દરિયાને વહાવ મારો હાથ ઝાલીને,
તારા ભરોસે મેં આગળ પગલું માંડ્યું,
યા હોમ કરીને ઝૂકાવ મારો હાથ ઝાલીને,
આંખોમાં સપનાંઓ ભરીને આવી તારે ત્યાં,
સપનાં સાચાં કરી દેખાડ મારો હાથ ઝાલીને,
મારાં દિલની ધડકનો ટહુકી જાય છે તારામાં,
સમાવી લે તારામાં મને મારો હાથ ઝાલીને,
લાગણીઓનાં દરિયા વહેતાં મૂક્યાં છે,
મઝધારે કિનારો બતાવ મારો હાથ ઝાલીને,
"સખી" તારા નજરોનાં બાણ મને વાગ્યાં,
નજરોનાં જામને છલકાવ મારો હાથ ઝાલીને.

