STORYMIRROR

VARSHA PRAJAPATI

Drama

3  

VARSHA PRAJAPATI

Drama

માનું સાનિધ્ય

માનું સાનિધ્ય

2 mins
11.5K

રવિ આજે ઓફીસથી વહેલો આવી ગયો. ઓફિસમાં થયેલી વાતોથી એનું મન દુઃખી હતું. કોઈના હકના પૈસા બીજાને કેવી રીતે આપી દેવાય? બસ આ જ વાતથી ખિન્ન થયેલું એનું ચિત્ત ક્યાંય ચોંટતું નહોતું. ઘરે આવીને એણે નિશાને કહ્યું," હું ગામડે જઈ બાપુજીને મળીને સવારે આવીશ. " આમ અચાનક રવિએ કહ્યું એટલે નિશાને પણ ચિંતા થઈ એના ચહેરાના ભાવ જોઈ રવિએ કહ્યું,"ચિંતા કરવા જેવું કશું જ નથી. આમેય આજે વહેલો આવ્યો છું એટલે થયું બાપુજીના ખબર અંતર પૂછી આવું. અને હા તારે સાથે આવવાની કોઈ જરૂર નથી, એવું હશે તો હું રાત્રે મોડેથી પાછો આવીશ. આપણું ગામ ક્યાં દૂર છે. ચાલ પાણી આપ હું નીકળું. "

  રવિ ગામડે આવી બાપુજીને મળ્યો. પણ એનું ચિત્ત કંઈક બીજું જ શોધતું હતું. એણે બાપુજીને કહ્યું,"ચાલો ખેતરમાં આંટો મારી આવીએ?"બાપુજીએ કહ્યું,"આ વર્ષે તો આંબા પર કેરીઓ પણ નથી તો ખેતરમાં જઈને શું કરીશું. અહીંયા જ બેસ. હમણાં મોટાભાઈ આવે પછી નિરાંતે વાતો કરીએ." પણ રવિની ઈચ્છા આગળ બાપુજીનું ચાલ્યું નહીં અને બંને જણ ઉપડ્યા ખેતરમાં.

   ખેતરમાં રવિએ એકાદ વાર આમતેમ જોયા પછી ગયો એની મનગમતી જગ્યા પર. ત્યાં આંબાના ઝાડ, પક્ષીઓનો કલરવ, બાજુના ખેતરમાંથી આવતી ભીની માટીની માદક ખુશ્બુ. આ એ જ જગ્યા છે જ્યાં રવિ એની મા સાથે આવતો. મા દિકરાની સુખદુઃખની વાતોનો સાક્ષી આંબો. માં એ શીખવેલા જીવનઘડતરના પાઠની શરૂઆત પણ અહીંથી જ થયેલી.

   રવિ એક વર્ષ પહેલાંની એક સાંજને વાગોળવા માંડ્યો. એ રવિવારે મા સાથે છેલ્લી વખત આ જ જગ્યાએ મનભરીને વાતો કરી હતી. "બેટા, આ ખેતરે આપણને ઘણું આપ્યું છે. મારા અને તારા બાપુજીની ખરી કમાણી આ જ છે. એ છે તો બધું છે નહીં તો કશું જ નથી." રવિ માને જોતો રહ્યો. માના ચહેરા પણ ચિંતા મિશ્રિત હાસ્ય હતું. એના પછી તો મા પ્રભુ પાસે ચાલી ગઈ.

    જ્યારે પણ રવિનું મન ભરાઈ આવતું એ અહીં આવતો. એને માની હયાતીનો અનુભવ કરાવતો આ આંબનો ટેકો લઈને આજે પણ રવિ ઊભો છે. આકાશમાં બીજનો ચંદ્ર ખીલ્યો છે. બાપુજીની લાગણીનું વૃક્ષ અડીખમ હતું પણ એનાં મૂળિયાં હવે સલામત નથી,અને એટલે જ કદાચ કેરીઓ આવતી નથી. આકાશમાં ટમટમતા તારામાં રવિ શોધતો હતો કે ક્યાંય મા દેખાય છે ? ત્યાં તો બાપુજીની એક બૂમથી રવિ અતીતમાંથી વર્તમાનમાં પાછો આવ્યો. ગામના મંદિરની ઝાલર સંભળાઈ અને સાથે સાથે માનો સાદ પણ,"ચાલ રવિ,ભગવાન બોલાવી રહ્યા છે,આપણો ઘેર જવાનો સમય થઇ ગયો છે. "


Rate this content
Log in

Similar gujarati poem from Drama