કિનારાની રેતમાં
કિનારાની રેતમાં
આ કિનારાની રેતમાં, હંમેશની જેમ જ..
મોજાંઓ આવીને પાછા ફરી ગયા.
ન જાણે આ કિનારો..,હદ હતી મિલનની,
કે પછી આમંત્રણ હતું ?
પ્યારના અથાગ સાગરમાં ડૂબવાનું ! કોણ જાણે કેમ...,
આજ આ આંખો પલળતી રહી !
કિનારે બેસી લહેરોમાં પગ પલાળતા-પલાળતા...
કેટલાય વિચારો મનમાં ઉમડતા રહ્યા !
આ અગણિત મોજાં જેવી અગણિત યાદો...
ને કિનારાની રેત જેવું મિલન !
ક્યારેક લથબથ-લથબથ.., ક્યારેક કોરુંકટ્ટ..!
આજ આંખોમાં ઉમડતી રહી ઉની-ઉની વરાળ જેવી...
કઇંક ખારી-ખારી બળતરાઓ !
સ્વપ્નો પણ આખરે વલખાં મારી-મારીને..
ભરતી પછીની ઓટની જેમ...
મનના અથાગ સાગરમાં સમેટાતા રહ્યા !
અને પેલા પ્યારના અભરખાઓ...,
પરપોટા બનીને કિનારાની રેતમાં...
વિખેરાતા રહ્યા ! ફીણ-ફીણ... ફીણ-ફીણ...!
