ખોટ કરીને આવ્યો છું
ખોટ કરીને આવ્યો છું
સાગર જેમ જીવ્યો છું, ભરતી ઓટ કરીને આવ્યો છું,
સ્મિત મુનાફાનું લાવ્યો છું, ખોટ કરીને આવ્યો છું.
ખેલદિલીથી ખેલ્યો છું ઉત્કૃષ્ઠ રમત હું અંત સુધી,
હાર તણા કારણને હૈયે નોટ કરીને આવ્યો છું.
જ્યાં પહોંચી જાવાને ઝંખ્યો ઉમ્ર સુધી, ત્યાં પહોંચીને,
પાછો મૂળ જગાએ ત્યાંથી દોટ કરીને આવ્યો છું.
જેને મળવા માટે હું દરરોજ કતારોમાં ઉભો,
એને કતારે ઉભા રાખી, વોટ કરીને આવ્યો છું.
એ તારા શહેરોને મારા ગામની સાથે જોડે છે,
મનના નબળા પુલ ઉપર વિસ્ફોટ કરીને આવ્યો છું.

