કૈંક ખાસ..
કૈંક ખાસ..
પેલો દુકાનવાળો,ચોકલેટ સાથે ,
બે પીપરમીંટ મફત આપે છે ! તે કહે છે, એમાં શું ખાસ છે?
પેલો કાછિયો, શાક ખરીદ્યા પછી,
મફત કોથમીર-મરચાં આપે છે ! ને કહે છે, તેમાં શું ખાસ છે?
બબલુનાં શિક્ષક, ટયુશન નથી કરતા,
પણ થોડું વધારે ભણાવે છે ! તે માને છે, તેમાં શું ખાસ છે?
રસોઈઓ, નોકર, ઓફિસનો કર્મચારી,
કામમાં વધારે સમય કાઢે છે, ને કહે છે, તેમાં શું ખાસ છે?
મોંઘુ અત્તર દીકરો પપ્પાને આપે,
ને મમ્મી વહુને પોતાનું ઘરેણું, ને કહે કે, તેમાં શું ખાસ છે?
દોસ્તની માંદગીમાં હોસ્પિટલ દોડયાં,
ઈમરજંસી રક્તદાન કરવા, ને કહે -અરે, તેમાં શું ખાસ છે?
ખાસનું ક્યાંય લેબલ હોતું નથી,
નિઃસ્વાર્થ ભાવનામાં વ્યક્ત થતા પ્રેમમાં જ પ્રભુનો વાસ છે !
