કાન અને આંખ
કાન અને આંખ


કાન અને આંખ વચ્ચે થઈ ગઈ છે ચડસાચડસી આજ,
કર્ણ નામ દાનેશ્વરીનું પણ છો અંધ કર જોવાનો ઈલાજ,
કાન કહે તું જ આંધળી છે દેખાય એટલું હોય જે સામે,
મને સંભળાય ચતુર્દીશ પછી ભલે ને હોય સામે કે વામે,
ચક્ષુ તારે તાકી તાકીને જોતા થાકીને સૂવું પડે છે રાતે,
અમે તો ખુલ્લા રાખીએ અહર્નિશ બે ભૂંગળા દરેક વાતે,
નયન બોલ્યું કડક થઈ પ્રકાશ જેમ ચાલીએ અમેં સીધા,
આડા અવળા સુણવા હુન્નર હવા પાસેથી તેં ઉધાર લીધા,
અરે લોચનિયાં તું ખુલ્લા જો હોય નેણ તો જ કંઈક જુવે,
અમે તો સાંભળીયે વેદના કોઈક દૂરસુદૂર રાતે પણ રૂંવે,
આંખ કહે અમે જોઈને ઉંમર અને રંગના ભેદ પારખીએ,
કાન બોલ્યા અમે સાંભળી સંગીત સ્વર થકી આરખીએ,
કાન અને આંખ વચ્ચે થઈ ગઈ છે ચડસાચડસી આજ,
જિહવા કહે હવે ખમૈયા કરો તમ થકી મારી રહી લાજ.