જિંદગી એટલે
જિંદગી એટલે
જિંદગી એટલે સૂર મિલાવવો
ટમટમતાં તારાંઓની સાથે..
જિંદગી એટલે લખવી નવી કવિતા
રોજ, સમુદ્રનાં મોજાની સંગાથે..
જિંદગી એટલે જૂના મિત્ર સાથે
ઉલેચવો શાળાની યાદોનો સાગર..
જિંદગી એટલે હમસફર સાથે
ભરવી ખુશીઓના ટહુકાની ગાગર..
જિંદગી એટલે ઉડાન ભરવી
નીલા, ઊંચા, અગાઢ સમુદ્રમાં..
જિંદગી એટલે ડૂબકી મારવી
અમર્યાદિત, ઊંડા, અકળ આકાશમાં..
જિંદગી એટલે શોધવું બ્રહ્માંડનું
રહસ્ય ટચૂકડાં માઈક્રોસ્કોપમાં..
જિંદગી એટલે શોધવું જીવનનું
રહસ્ય મસમોટા ટેલીસ્કોપમાં..
જિંદગી એટલે સાંભળવું આત્માનો સાચો અવાજ,
જિંદગી એટલે ભૂલી ભૂતભવિષ્ય, જીવવું બસ આજ !
