જીવન ઉત્સવ
જીવન ઉત્સવ


રોમ રોમમાં ત્યારે દિવડા પ્રગટ્યા હતા, જ્યારે લાગણીના તોરણે અમે લટક્યા હતા. એક નવી દિશા તરફ કદમ ઉપડ્યા હતા, ચોમેર પ્રસરતી ખુશ્બૂથી અમે બહેક્યા હતા. મનને રંગોળીના રંગથી રંગ્યા હતા, સપ્તરંગી સપના એનાથી સજાવ્યા હતા. ઝળાહળ રોશની જેવા પ્રેમથી અંજાયા હતા, પછી તો એકમેકના બન્યા પડછાયા હતા. હૈયા અનેરા ઉમંગથી અજવાળ્યા હતા, અમાસમાં પણ ચાંદનીના ઓજસ ફેલાવ્યા હતા. નવી જિંદગીના પગરવ મંડાયા હતા, જીવનને જ ઉત્સવ બનાવવાના રસ્તે દોરાયા હતા.