જીંદગી ઘણી સારી છે
જીંદગી ઘણી સારી છે
થોડી મારી છે થોડી તારી છે,
આ જીંદગી ઘણી સારી છે,
ક્યારેક એ મગજનું દહીં છે,
ક્યારેક તીખી તિખારી છે.
હોય છે ક્યારેક મીઠી લછ્છી,
ક્યારેક લછ્છી ખારી છે,
આમ કહો કે તેમ કહો પણ,
આ જીંદગી ઘણી સારી છે.
થોડી હતી એ સરળ અને,
પછી થોડી આપણે મઠારી છે,
ક્યારેક પાલખી હાથીની,
ને ક્યારેક સિંહની સવારી છે.
અવગુણ એના ચિત ન ધરો,
એ નાની રાજકુમારી છે,
હશે જરા તોફાની પણ,
આ જીંદગી ઘણી સારી છે.
થોડી ચિંતા પણ છે એ,
અને થોડી એ ખુમારી છે ,
ક્યારેક લાગે મૌન અકળ,
ને ક્યારેક ખોટી લવારી છે.
હોય છે ક્યારેક સુખસાગર,
કોઈ દી દુ:ખની પટારી છે,
દિવસો "સ્તબ્ધ" સરખા નથી,
પણ જીંદગી ઘણી સારી છે,
