જાદુગરે માયા રચી
જાદુગરે માયા રચી
રૂડી રૂપાળી રાજકુંવરી થઈ ગઈ મહેલથી ગૂમ,
ખૂબ શોધી ના મળી, ના સુણી એની એકેય બૂમ,
જાદુગરે માયા રચી ને કરી દીધી છે કેદ,
કેમ લલચાણી ભ્રામક વાતે કરતી કુંવરી ખેદ,
રડી રડીને આંખો સૂજી, તન થયું અશક્ત,
ખાવા અન્નનાં પડ્યાં ફાફા, ઊડી ગયું રક્ત,
રડતી-કકળતી પ્રાર્થના કરતી ધૈર્ય મનમાં ધરી,
ધીરજ એની ગઈ ફળી ને આવી સન્મુખ પરી,
પરીબાઈએ પાંખે બેસાડી પહોંચાડી એને ઘેર,
જાદુગર તો ચડ્યો વિચારે, હવે નથી મારી ખેર,
અંતર મંતર દીધા સંકેલી, ધર્યો સાદો વેષ,
તોય સૈનિકે પકડી લીધો, દયા ન કરી લેશ,
ખોટા કામો નહીં કરું, ચાલીસ સાચે પથ,
દીધું જ્યાં વચન ત્યાં આવ્યો સામે રથ,
જાવ સિધાવો સાચા બનીને કાર્ય કરજો સારા,
અભય વચન ધરતાં ચાલ્યો, છોડી કર્મો કાળાં,
ઈશ્વર છે સાચો જાદુગર એના શરણે જાજો,
પરમાર્થ કાજે જીવી જઈને પ્રિય પ્રભુના થાજો.
