ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ
ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ
હૈયે ઊગે એક વાત,
ઈશને કરું સો સો સવાલ,
કેવી સર્જી તે ! કામણગારી નાર,
આકાશ જેવી અનંત દ્રષ્ટિ આપી તે,
ફૂલોની આપી ઋજુતા તે,
સાગર જેવું વિશાળ દિલ આપ્યું તે,
ધરતી જેવી આપી તે સહનશીલતા,
સ્ત્રીનું સર્જન આપી ગઈ તારી સુંદરતાનો પરિચય.
મન મોહક મુખડું એનું,
હોઠ એના ગુલાબની પાંખડી જેવા,
હોઠ પર શોભતું કાળું તલ,
વદન એનું ચંદ્રમા,
સિતારો જાણે બિન્દી,
ઘૂંઘટ ઉઠાવે તો લાગે,
નીકળ્યો જાણે વાદળમાંથી ચદ્રમા,
તેના આ રૂપે તો,
ઋષિ પણ તપોભંગ થાય,
સુંદર તન સાથે આપ્યું સુંદર મન,
ગણિતના અટપટા સમીકરણ જેવી,
સમજાય નહિ એવું એનું મન,
ક્યારેક ઉઘડતી ઉષા જેવું,
તો ક્યારેક તપતા મધ્યાહન જેવું,
ક્યારેક લાગે સમી સાંજ જેવું કેસરિયું,
ક્યારેક મધુર ઝરણાં જેવું,
તો ક્યારેક
ધીર ગંભીર સરિતા જેવું.
પુત્રી બહેન પત્ની માતા કેટલાય પાત્રો બખૂબી નિભાવતી,
એ પિતાની દરેક વાતમાં ખ્યાલ રાખતી એ,
એ પુત્રી ભાઈ સાથે મીઠો ઝગડો કરતી બહેન,
એક વ્યવહાર કુશળ મેનેજર,
એ પતિ માટે તૂટેલો વિશ્વાસ સાધતી એ પત્ની છે,
પ્રેમથી કોળિયા ખવડાવતી,
સંતાન માટે ઈશ્વર સાથે પણ લડી લેતી એ માં છે,
કઈ કેટલાય રૂપમાં જીવે છે એ,
પણ પોતાને જ ભૂલી જાય છે એ,
એ ધારે તો બુરખા કે અંધાર પેટીની આરપાર પણ જોઈ શકે છે.
કેવી અણમોલ દ્રષ્ટિ આપી તે,
સ્વપ્નદ્રષ્ટા છે એ.
ગણિત જેવું જટિલ એનું વ્યકિતત્વ,
ઘણીવાર જે વસ્તુ મેળવવા એ પારાવાર લડત કરતી હોય,
બીજી જ ઘડીએ
એનું દાન આપતા પણ નથી અચકાતી,
ત્યાગની મૂર્તિ છે એ,
સ્ત્રી એટલે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન.
સ્ત્રી એટલે એ ફૂલ જે પોતાના આંગણને મહેકાવે છે,
ઈશ્વર તારી આ કૃતિ ને કરું હું વંદન,
ત્યાગ મૂર્તિ, પ્રેરણા મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ,
પ્રેમ મૂર્તિ, આ બધા જ એવોર્ડ જાય છે, તારી આ કૃતિને ફાળે.
