ઈચ્છાઓની ઓથે
ઈચ્છાઓની ઓથે
મોજથી જીવી જવાયું આજ ઈચ્છાઓની ઓથે,
ને થયું જીવન સવાયું આજ ઈચ્છાઓની ઓથે.
દૂર ભાગી છે ઉદાસી ને ગયાં ભાગી સૌ કષ્ટો,
ગીત તો સુખનું ગવાયું આજ ઈચ્છાઓની ઓથે.
ગાજવાની વાત આવી તો વિચારો આવ્યા સૌના,
વાદળી થૈ મન છવાયું આજ ઈચ્છાઓની ઓથે.
બીજ નફરતનાં ન આવે એવું રાખી ધ્યાન ઝાઝું,
પ્રેમનું પાણી પવાયું આજ ઈચ્છાઓની ઓથે.
જિંદગી 'સાગર' હવે ખીલી ગઈ સોળે કળાએ,
સૌના માનીતા થવાયું આજ ઈચ્છાઓની ઓથે.
