હું અને તું
હું અને તું


મૌનનો આધાર છીએ હું અને તું.
સાથનો સંસાર છીએ હું અને તું.
છે સમયના વ્હેણની કેવી અસર આ,
બાળકોનો ભાર છીએ હું અને તું.
સ્પર્શને વાગોળતા ઝળહળ હતા ત્યાં,
અંગથી લાચાર છીએ હું અને તું.
અંતરે હેલી ચઢે છે હેતની ત્યાં,
મેહ ઘેલી ધાર છીએ હું અને તું.
આંખમાં કાજળ હતા, વાદળ છવાયા,
રાખનો અંગાર છીએ હું અને તું.