હોય પણ
હોય પણ


એક મીઠાની કણીમાં કેદ સાગર હોય પણ,
ભીતરે દરિયા, નયનની રિક્ત ગાગર હોય પણ
દીકરીના દિલમાં માયા મમત પિયર તણી-
મખમલી રેશમમઢી હુંફાળી ચાદર હોય પણ
સ્વાર્થની દુનિયામાં પણ ક્યારેક માનવ ભીતરે,
લાગણી ભીનો ખૂણો, ભેરુની ખાતર હોય પણ.
આરસી ક્યાં સંઘરે છે કોઈ પ્રતિબિંબને?
કાચરૂપે માનવીમાં તીક્ષ્ણ આરસ હોય પણ.
આપ્તજનની મહેફીલો જ્યાં સાવ સૂની ભાસતી,
એ જ માનવ ચિતમાં એક ઝૂરતું પાદર હોય પણ.
બાળપણને સંઘર્યું હૈયા મહીં આખું જીવન,
ઘર, ગલી, ફળિયું, ઝૂલો કે ચોકચાચર હોય પણ.
હોય મુઠ્ઠીમાં જરી જો ભાગ્ય રેખા આગવી
એ પનોતા દેશમાં ગાંધી જવાહર હોય પણ