હોળી કૃષ્ણકનૈયા સંગે
હોળી કૃષ્ણકનૈયા સંગે
ચાલને સખી યમુના તણા ઘાટે,
રમીશું હોળી કૃષ્ણ કનૈયા સાથે.
રંગ મેઘધનુષી ઉડાડશું સહુએ,
રાસ જામશે ઓલા નંદકુંવર સંગાથે.
પૂનમની રાતનો રઢિયાળો ચાંદો,
સોહાવ્યો મારા કાનકુંવર નાથે,
રાધા ગોરીના ગાલે લગાડે લાલ
તન્મય રાધા બંધાઈ કાનજીની ગાંઠે.
મોર-પોપટડાં કેવા કલરવતાં!
અડધી તે રાત તોયે નીંદર ના આંખે,
ઉલ્લાસ આખીય સૃષ્ટિ તણો
જાણે સમાઈ ગયો એમની પાંખે.
રંગોની રાત ને પિયુજીનો છે સાથ
પ્રિયતમનો સ્પર્શ અનુભવાતો બાથે
અજબ લીલા રચાવી માધવરાયા,
ઓળઘોળ ગોપીઓ,પ્રિત ચડી માથે.
ઘૂમે રે ! સખીઓ ને ઝૂમતું વૃંદાવન
ખેલતું ગુલતાન બની રંગ લઈ હાથે
પરબના પાવન પગલાંએ-પગલાંએ,
ગૂંજી સરગમ જમુનાજી તણા કાંઠે.