હેત શોધતો રહ્યો
હેત શોધતો રહ્યો
વરસતા વરસાદમાં,
ભીંજાઈને પણ કોરો રહ્યો,
સંબંધોના સરવાળામાં,
આમજ હેત શોધતો રહ્યો.
એની ખુશીમાં જ શોધું સ્વર્ગ,
એ વાતથી એ આશ્વસ્ત છતાંય,
એને આલિંગનમાં લઈને,
એ અહેસાસ અપાવતો રહ્યો.
હારમાળા સર્જી હતી એણે જે પ્રશ્નોની,
એનો સામનો હું કરતો રહ્યો,
પણ અધ્ધર શ્વાસે મારા હેતને,
દાવ પર લાગતા જોતો રહ્યો.
એના મંદ મંદ હાસ્યને,
સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો,
ટાઢક મળી હૃદયને જ્યારે એની,
નજરમાં પ્રેમી પુરવાર થતો રહ્યો.

