હા, હું એક સ્ત્રી છું
હા, હું એક સ્ત્રી છું
હા, હું એક સ્ત્રી છું,
હું અબળા નહીં પણ સબળા છું,
સંસારની ધુરંધર છું,
સંસ્કારોનો અવિરત પ્રવાહ છું,
સંસારના સુખ દુઃખથી બચાવતી છત્રી છું,
સૃષ્ટિનું સૌથી સોહામણું સર્જન છું,
પ્રેમથી વર્તે તો આખોયે બાગ છું
છેડે કોઈ તો હું આગ છું,
ફૂલ જેવો કોમળ સ્વભાવ રાખું છું
તોયે લોહ સમ મનોબળ રાખું છું,
જે વસ્તુ ને મેળવવા હું લડાઈ ઝઘડો કરું છું
બીજી મિનિટે એનું દાન દેતા પણ અચકાતી નથી,
બુરખા કે અંધાર પેટીની આરપાર પણ જોઈ શકું એવી તીક્ષ્ણ તલવાર જેવી ધારદાર નજર હું રાખું છું,
બાલી, કંગન, પાયલ, ઝૂમખાં હું પહેરું છું,
કોમળ હાથમાં જરૂર પડે તો તલવાર પણ હું પકડું છું,
હું મીરા છું, હું રાધા છું, હું શબરી છું,
હું અહલ્યા છું,
મારા હક માટે લડતી હું લક્ષ્મી બાઈ પણ છું,
પ્રેમમાં મીણની જેમ પીગળી જાઉ છું
જિદ ઉપર ઉતરું તો આંધી પણ બની જાઉં છું,
હા, હું તોરલ પણ છું,
માનવીની પથદર્શક પણ છું,
હા, હું સ્ત્રી છું
ઈશ્વરનું અદભુત અમૂલ્ય સર્જન છું.
