ગઝલ- ખળખળ વહ્યો'તો
ગઝલ- ખળખળ વહ્યો'તો


ખળખળ વહ્યો'તો સ્નેહ જ્યાં આજે નથી ત્યાં ઝાંઝવા,
શું ક્ષેત્રફળ વેરાન તટનું ? હું મથું છું માપવા.
પૂછ્યું હજારોને છતાં, ખુદ મૂલ્ય ના સમજી શક્યો,
દર્પણ મહીં જોતો રહ્યો, કિંમત સ્વયંની આંકવા,
ચિંતા મનોમંથન કરે, જઈ ક્યાં મળે મુક્તિ મને,
આ ખોળિયેથી દૂર થઇ, ચિંતા મથે છે ભાગવા.
સળગી રહ્યા દીપક દયાના, ક્યાંક મન મંદિર મહી,
કપટી વિચારોની હવા, અજવાશ ઈચ્છે ખાળવા.
પરભારું દુઃખ આવી ચડ્યું, દસ્તક વગર મુજ આંગણે,
સુખની અપેક્ષા એ બન્યા, મહેમાન દુઃખના કારવાં,
નાવિક બનાવી જે જગત, પતવાર આપે હાથમાં,
એ ભયજનક મઝધારમાં, ધક્કા લગાવે મારવા.
અમૃત સફળતાનું મળ્યું, ટોળે વળ્યાં સ્નેહી બધા,
ને ઝેર નિષ્ફળતા તણું, કોઈ ન આવ્યું માંગવા.