ગીતા જ્ઞાન છે
ગીતા જ્ઞાન છે
સર્વ ધર્મોનો બધો આધાર ગીતા જ્ઞાન છે,
કૃષ્ણના મુખે થયું સાકાર ગીતા જ્ઞાન છે.
'ઉઠ,ઉભો થા, યુદ્ધ કર' એવું કહીને પાર્થને,
કર્મ માટે પ્રેરતો આવતાર ગીતા જ્ઞાન છે.
દેહમાં નશ્વર બની વ્યાપી રહ્યું એ કોણ છે ?
જ્ઞાનની સમજણ તણો અણસાર ગીતા જ્ઞાન છે.
ના કદી એ નાશ પામે,ના કદી એ જન્મ લે,
વેદના આ જ્ઞાનનો ભંડાર ગીતા જ્ઞાન છે.
દેવ,દાનવ,દૈત્ય કે માનવ બધા સૌ જાણજો,
જ્ઞાન,ભક્તિ,કર્મનો શણગાર ગીતા જ્ઞાન છે.
અંધશ્રદ્ધાનો પવન ચાલી રહ્યો છે ચોતરફ,
જ્યોત શ્રદ્ધાની જુઓ દેનાર ગીતા જ્ઞાન છે.
જાણશો તો પામશો કે વેદનો એ સાર છે,
વાંચવામાં શ્લોકની વણઝાર ગીતા જ્ઞાન છે.
