ગીત સંગીત
ગીત સંગીત
ગીતનો સંગ કરે તે સંગીત
જેની સંગતથી સદગતિ થાય તે સંગીત
સાત સુરને લયમાં પરોવવામાં
જે માધ્યમ બને તે સંગીત
રોગને ભગાડે તે સંગીત
સારી ઉંઘ આપે તે સંગીત આગ લગાડે ને
વરસાદ લાવી બુઝાવી દે તે સંગીત
મનને શાંતિ આપી શકે તે સંગીત
માણસને જીવંત બનાવે તે સંગીત
આધી, વ્યાધી ને ઉપાધીને હરે તે સંગીત
ગીતોને કર્ણપ્રિય બનાવે તે સંગીત
ગીતાજીના દરેક યોગને બ્રહ્મનાદ આપે તે સંગીત
શબ્દની સીમાઓથી પર એટલે સંગીત
મન ફક્ત લય, તાલ પર ડોલવા લાગે તે સંગીત
સંસારમાં ચાલતી દરેક વસ્તુનો લયબધ્ધ ને
તાલબધ્ધ જુગલબંધી એટલે સંગીત
કુદરત, પશુ, પંખી બધાયના લયબધ્ધ અવાજના તરંગો એટલે સંગીત
વહેતા ઝરણાનો ખળખળ અવાજ, સાગરોની ઉઠતી લહેરોનો ધ્વની,
મોર, કોયલ,બુલબુલ,ચકલી,કબુતર,બપૈયા,
દૈયડ,તમરા,દેડકા,ભમરાનો ગુંજારવ એટલે સંગીત
વિજળીના કડાકા, વરસાદનું લયબધ્ધ વરસવું તે સંગીત
નેવામાંથી પડતા પાણીના ટીપાના ટપક,ટપક અવાજ તે સંગીત
ગૃહિણીના રસોડામાંથી આવતો વાસણોનો ખખડાટ તે સંગીત
માનવ હ્રદયના લયબધ્ધ ધબકાર એટલે પણ ઈશ્વર તરફથી
સતત સંભળાવામાં આવતું અવિરત સંગીત
એટલે જ તો સંગીત અને આત્માની સહજ જોડી બનેલી છે
ભાગ્યે જ કોઈને સંગીત ન ગમે !
કારણકે સંગીત આત્માની જેમ અખંડ છે
ભાષા, દેશ, જાતિ, રંગભેદ કે લીંગભેદના
સીમાડા નડતા જ નથી
સંગીત એ નિર્વિવાદ સનાતન સત્ય છે
આપણે છીએ તો ય છે ને નહી હોઈએ
ત્યારે પણ હશે જ! અટલ,અડીખમ ,
અદ્ભુત, અદ્વિતિય અપ્રતિમ ને અહ્રર્નિશ !
