ગીત રચના - મહાત્મા ગાંધીજી
ગીત રચના - મહાત્મા ગાંધીજી


સત્ય અહિંસા માર્ગે ચાલી આઝાદી આપી બાપુ,
મહાત્મા ગાંધીજીની ખ્યાતિ વિશ્વે વ્યાપી બાપુ.
સત્યાગ્રહ, ઉપવાસ, રેંટિયો, સાદાઈ શસ્ત્રો લઈને,
દેશ ભ્રમણ કરતા લોકોને પથદર્શન સાચું દઈને,
અંગ્રજોની શક્તિ અવિચલ હિંમતથી માપી બાપુ.
સત્ય અહિંસા માર્ગે ચાલી આઝાદી આપી બાપુ.
કાગડાનાં કે કૂતરાનાં મોતે મરવું ગમશે એમ કહી,
લીધી પ્રતિજ્ઞા સ્વરાજ વિના આશ્રમ પાછો ફરીશ નહિ.
દાંડીકૂચ કરી ને પગપાળા યાત્રા કાપી બાપુ.
સત્ય અહિંસા માર્ગે ચાલી આઝાદી આપી બાપુ.
'નમક કા કાયદા તોડ દિયા' મીઠું સૌને ત્યાં વહેચ્યું છે,
ખુદના હકનું મેળવવા તો ધ્યાન સહુનું ખેંચ્યું છે.
આમરણાંત કર્યાં ઉપવાસો ઈશ્વરને જાપી બાપુ.
સત્ય અહિંસા માર્ગે ચાલી આઝાદી આપી બાપુ.
રાષ્ટ્રપિતાનો આપ દરજ્જો પામ્યા છો મહોદય તમે,
ભારતના ભાવિનો સુંદર આપ્યો સૂર્યોદય તમે,
નોટ ઉપર તેથી પ્રતિકૃતિ સરકારે છાપી બાપુ.
સત્ય અહિંસા માર્ગે ચાલી આઝાદી આપી બાપુ.
સત્ય અહિંસા માર્ગે ચાલી આઝાદી આપી બાપુ,
મહાત્મા ગાંધીજીની ખ્યાતિ વિશ્વે વ્યાપી બાપુ.