શ્રી કૃષ્ણને પૂછો તમે
શ્રી કૃષ્ણને પૂછો તમે
કેટલું સહેવું પડ્યું શ્રીકૃષ્ણને પૂછો તમે,
એમના સ્થાને ઘડીભર જાતને મૂકો તમે,
જેલમાં જનમ્યા, મળ્યો માતાપિતાનો પ્રેમ નહિ,
અશ્રુઓ વહેતા રહ્યા જઈને જરા લૂછો તમે,
વ્હાલ વાસુદેવનું, શું દેવકીનો છે દુલાર ?
જઈ યશોદા નંદ પાસે એકડો ઘૂંટો તમે,
ચોર કહેવાયા, દઈ હકનું બધા ગોવાળને,
આમ મટકી ફોડીને માખણ જરા લૂંટો તમે,
પૂતના માસીનું પણ વિષપાન કરવું છે કઠિન,
ઝેર કાલીનાગનું મનમાંથી તો થૂંકો તમે,
ગાળ નવ્વાણું સહન કરવી રમત છે વાત કંઈ ?
શીશ શિશુપાલનું કાપી જરા જુઓ તમે,
શસ્ત્ર નહિ પણ શાસ્ત્રથી અર્જુન ઊભા કરવા હવે,
સારથી થઈ શંખ તો સંગ્રામનો ફૂંકો તમે,
આ જગતના ભારનો જો કાઢવો અંદાજ હોય,
આંગળી પર આખો ગોવર્ધન કદી ઊંચકો તમે,
સાર ગીતાનો ખરેખર દિવ્ય છે એક જ્ઞાન"દીપ"
વાંચી જીવનમાં ઉતારો, માત્ર ના પૂજો તમે.
