ગબ્બર ગોખ ઝગમગે રે લોલ
ગબ્બર ગોખ ઝગમગે રે લોલ
માડી તારું મંદિરીયું ગગન ગોખ
કોટિકોટિ તારલિયાની દીવડી રે લોલ,
માડી તારી આરત શોભે પ્રભાત
કંકુવરણા રૂપ સાથિયા રે લોલ,
માડીને ગરબે ઘૂમે નક્ષત્રો દિનરાત
ખમ્મા ચૈતર તોરણિયાં રે લોલ,
માડી તને દઈએ મેઘાડંબર સ્વાગત
ઝરમર ભીંના ભાવે ભીંજવો રે લોલ,
માડી તારાં બેસણાં આરાસુર ધામ
ગબ્બર ગોખ ઝગમગે રે લોલ,
માડી વસુધા ધરે વસંત થાળ
અક્ષત આનંદના ઓવારણાં રે લોલ,
માડી વાગે નોબત ને ઊડે ગુલાલ
ફરફર ફરકે આ ચૂંદલડી રે લોલ
માડી તારે શરણે સુખિયા રે લોલ.
