એ થાકતી નથી
એ થાકતી નથી
ઘરમાં સૌથી પહેલા ઉઠવું,
ને છેલ્લે ઊંઘવું એ નિત્યક્રમ છે એનો,
વહેલી સવારથી આમ કામ કરતા,
મા મારી થાકતી નથી.
"હવે મારી ઉંમર થઈ."
તકિયા કલામ બની ગયો છે આ એનો,
તો પણ ઘરના માટે અડધી અડધી થતા,
મા મારી થાકતી નથી.
વાળમાં સફેદી ને થોડી ઝૂકેલી કમ્મર,
તોય અલગ ઠસ્સો છે એનો,
હસતા હસતા અમને સંભાળતા,
મા મારી થાકતી નથી.
કંઇ ને કંઇ કામ શોધી લેવું,
નવરા બેસવું સ્વભાવ નથી એનો,
આ ઉંમરેય ઘર આખાની ચિંતા કરતા,
મા મારી થાકતી નથી.
