એ નજરથી નિરખો નહીં
એ નજરથી નિરખો નહીં


આંખોને પણ પાંખો ફૂટે, એ નજરથી નિરખો નહીં,
મનના ઘોડા પળમાં છૂટે, એ નજરથી નિરખો નહીં.
સ્નેહભીની જાત કરવાની ટેવ અમને હતી નહીં,
અંગે અંગે પ્રેમ વછુટે, એ નજરથી નિરખો નહીં.
ખુલ્લા રણમાં દોટ લગાવે એવી સૂકી યાદો રાખું,
સૂકા રણમાં ઝરણું ફૂટે, એ નજરથી નિરખો નહીં.
શબ્દો તો અણીયાળો બાવળ, મીઠાસનો તો પત્તો નહીં,
શબ્દે શબ્દે ફૂલડાં મ્હોરે, એ નજરથી નિરખો નહીં.
અતડું અતડું જીવન કાઢી, કદીય કોઈમાં ભળતું નહીં,
આલિંગનમાં હાથ ઊઠે બે, એ નજરથી નિરખો નહીં.
સ્મિત સુનાના ચહેરા પર વસંત જેવું ફરતું નહીં,
ગાલો પર તો લજ્જા ફૂટે, એ નજરથી નિરખો નહીં.
થોર સરીખા કાંટાઓની ભોકાતી અણીયાળી જાત,
થોરના ટેરવે ગુલાબ ઊગે, એ નજરથી નિરખો નહીં.
અમાસના ઘોર અંધકારને, માની લઈ નિમિત્ત સઘળું,
પૂનમનું અજવાળું ગૂંથે, એ નજરથી નિરખો નહીં.