એ જ જીવન છે
એ જ જીવન છે
સવાલો આંખમાં વંચાય છે ને ! એ જ જીવન છે
જૂની વાતો હવે સમજાય છે ને ! એ જ જીવન છે,
ખુશી, આનંદ, રાજીપો, હતાશા, વેદના, અશ્રુ,
ઉંમરના ત્રાજવે તોલાય છે ને ! એ જ જીવન છે,
જશનની ભીડમાં વર્તાય છે અંગત બધા ચહેરા,
દુઃખોમાં છેવટે દેખાય છે ને ! એ જ જીવન છે,
અહીં સૌ પાયદળની વેષભૂષા એક જેવી છે,
તને શતરંજ તો સમજાય છે ને ! એ જ જીવન છે,
હતો વિધ્વંસ કેરો કાળક્રમ પ્રત્યક્ષ આંખોમાં,
છતાંયે કૃષ્ણ જે મલકાય છે ને ! એ જ જીવન છે.
