દંપતિ
દંપતિ
ખારા શબ્દોને નીચોવી સૂકવી દીધા,
બોરડીના કાંટા જેવા દર્દને દિલના સંદૂકમાં ભરી દીધું.
લાગણીશૂન્ય બનેલા બારણાં,
ઘરમાં આવતા રસ્તાને,
જેમ કૂતરું કરડવા આતુર હોય તેમ જોઈ રહ્યાં,
હવા નાક ચઢાવતી ઘરમાં પ્રવેશી,
ત્યાં જ બારીએ બબડાટ ચાલુ કર્યો!
ઘરના ખૂણા તલવાર કાઢીને ઊભાં હતાં,
ભીંતો પર શબ્દોનું લોહી દદડી રહ્યું હતું,
બેઠકરૂમમાં વચ્ચોવચ્ચ લાગેલું ઝુંમર ઉદાસ હતું,
કદાચ એ વિવશ હતું...
રાચરચીલું બંને કાને હાથ દઈ,
ગાંધીજીના બંદરોમાંનું એક બની,
દર્શક જેમ જોઈ રહ્યું,
ભડકે બળતો આખો રૂમ,
એક ખોખારે ઠંડોગાર થઈ ગયો....!
યુદ્ધવિરામ...!