દિલની ખુમારી
દિલની ખુમારી
હશે નયન બંને છેતરાયાં ઝાંઝવાથી,
છતાં અનુભવે ભરેલી પાકટ નજર છે !
બદબૂથી સુવાસની બોલબાલા કેટલી ?
ધરાતલ ફૂલોનેય એટલી ખબર છે.
ઝીલવું અશ્રુ મોરનું ત્વરાએ જરૂરી છે,
છતાં પડેલું ધરતી પર અર્થસભર છે !
લે ખાટી યશ એકલો કેમને તું ?
આ પરાગની હવા ઉપર સફર છે !
પીધા જામ જવાનીમાં ભરપૂર અમે,
હજીયે ઘડપણમાં એની ગુલાબી અસર છે !
પસ્તાવો તક ચૂક્યાનો ઉમ્રભર છે,
છતાં મેળવી લેવાની અનોખી જિગર છે !
નથી આવકારી કેવળ જીતની જ મજા,
કપરી હારનીય એટલી કરી કદર છે !
મરીનેય જીવતાં આવડે છે ' શાર્દૂલ '
શહેનશાહી દિલની ખુમારી અગર છે !
