ધન્ય જેણે પ્રીતડી કરી
ધન્ય જેણે પ્રીતડી કરી
ધન્ય જેણે પ્રીતડી કરી,
ચરણોમાં એક જેણે પ્રીતડી કરી.
જગમાં જન્મી યાદ તમને કરીને
જીવી રહ્યાં હૈયું હેતે ભરીને,
લક્ષ્મી છે તેને મળી... ધન્ય જેણે.
રંગ્યું હૃદય જેણે રાગે તમારે,
સ્થાપ્યાં તમોને પ્રાણ તણી પાળે,
તમને ગયા છે વરી... ધન્ય જેણે.
મહિમામાં મળી ગયું મસ્ત મન જેનું,
જ્યોતિમાં જલી ગયું અંધારું એનું;
યુગયુગની ઝંખના ફળી... ધન્ય જેણે.
ગાન તેમ કીર્તનમાં નિશદિન રાચે,
તમારા વિના કૈંય સ્વપ્ને ન જાચે;
દીનતા ગઇ છે ટળી... ધન્ય જેણે.
આનંદ-ઓઘ જેના અંતરમાં ઊછળે,
રોમરોમ રંગાયાં અનુરાગ ઊજળે,
કૃપા છે તમારી મળી... ધન્ય જેણે.
બીજાના સુખ માટે આતુર સદાયે,
જીવનનો યજ્ઞ કરે જગને માટે જે,
મમતા ને માયા ભરી... ધન્ય જેણે.
‘પાગલ’ થૈ પ્રેમ તણી વર્ષા વરસાવજો,
અંધારું અજવાળી ક્લેશ સૌ શમાવજો,
પ્રીત છે પુરાણી કરી,
ધન્યતા રહે છો મળી !... ધન્ય જેણે.
- શ્રી યોગેશ્વરજી
