દેડકો બને ડ્રેગન
દેડકો બને ડ્રેગન
અમારી વાડીના રીંગણાં એટલે રીંગણાં
એની તોલે ના આવે કોઈ
બીજાની વાડીના તે કાંઈ રીંગણાં ?
ઝૂડી નાખું આખી વાડી ને કરી દઉં ઉજ્જડ,
હું બનાવું એવું દૂધીનું શાક
અમે સમારીએ એમ જ સમરાય બધા શાક
બીજી તો હોય જ ના કોઈ રીત એની
ને એવા પાગલને તો હું પૂરો જ કરી દઉં,
મારું ફળિયું, મારુ ગામ ને મારી શ્રેષ્ઠ શેરી
એના સિવાયના સર્વે સંસ્કાર હિન
તો ય ભણવા કમાવા જાઉં બીજે ગામ
ને વળી કલ્પના કરું એના વિનાશની,
છું કૂવાનો દેડકો, મા
નુ વિશ્વગુરુ મારી જાતને
બાકી તો બધાં તુચ્છ જાણે કે મચ્છરાં
એટલે તો તિરસ્કાર તનથી ત્રણે લોકને
ચાલે મારું બધે તો ભુક્કો કરી દઉં ભાંગીને,
થશે બંધ નવ જળ સરવાણી જયારે
ગંધાશે ખાબોચિયું ને કીડા ખદબદશે
સૂકાશે ધરા ને વ્યાપશે વિનાશ ત્યારે
ખોલું નયન આજ તો વળી ટળે કંટક,
ખોલું નયન આજ તો વળી ટળે કંટક
નવ સોચ સમજુ સ્વીકારું તો ઉઘડે ભાગ્ય મારું
સાધુ અનુકૂલન ને બનું સહિષ્ણુ જયારે
ઉર્ધ્વગતિ પામું અન્યથા નિશ્ચિત અધોગતિ.