ડોસો લખે કે
ડોસો લખે કે
ડોસો લખે કે...
'અધીરો આ જીવડો હવે વાલોવાયા કરે,
ડોશી, તારી હારે મારુ આ જીવતર હાલ્યાં કરે,
પચા-પચા વરહ લગી એકાબીજાને વળગી રહ્યાં,
જાણે જનમો-જનમનાં આપણે સાથી બન્યાં.
કોણ જાણે આ વરસો ક્યાં વીતી ગયાં !
બંધ બારણે, ૧૫ દા'ડા, તારા વીના કેમના વીતશે ?
એકલો પડ્યો આ ડોસો જરી ગભરાઈ ગયો,
આ દાક્તરની સેવામાં હું ક્યાં ફસડાઈ ગયો !
તારા હાથે ઘડેલા રોટલાં ને છાશ ખાઈ જીવતો'તો,
આ કોણ જાણે ક્યાંથી હું આ કાચા શાકભાજી ને ફળોને ઝેલતો ગયો.
રોજ સવારે જાગી તને આખાય ફળિયામાં શોધતો,
હવે સમય આવે વિડિઓ કૉલ કરી હું આંસુડાં સારતો.
તકલીફો ને હાડમારી સામે હું હરહંમેશ ઝઝૂમતો,
આ એકલાં હાથે, એકલવાયો થઈ, પે'લી વાર લડતો ગયો,
ફરી તારા મોઢે 'ડોહા હાંભળતા નથ ?' સાંભળવાની રાહ,
તને સાતે જનમ સાથે રાખી, અતૂટ સંબંધને નિભાવવાની વાત.'

