ચિત્કાર ડૂબી શબ્દમાં
ચિત્કાર ડૂબી શબ્દમાં
ગુહાર લગાવી મદદની શબ્દથી પાડી ચિત્કાર
ન કોઈએ સાંભળ્યું જ્યાં હતી મેદની ચિક્કાર,
ઘોડાં છૂટ્યે શરમ માર્યા આવ્યા સિપાહી ચાર
લીધા પુરાવા અધૂરાં ચીતર્યા કાગળ હજાર,
કાળા ડગલાં પહેરી આવ્યાં બે વકીલો વહારે
શબ્દથી શબ્દને હરાવ્યાં દલીલો ખીલી બહારે,
અલ્પવિરામની જગ્યા લઈ લીધી પૂર્ણવિરામે
ચિન્હ વિના અધૂરું અર્થઘટન કાનૂન વિશ્રામે,
મારો, નહીં ભાગો, એવી હતી એ ફરિયાદ એની
મારો નહીં, ભાગો કર્યો લૂલો બચાવ લઈ પેની,
શબ્દોની દલીલો સમેટાઈ ચિન્હોની લડાઈમાં
મીરઅદલે છોડ્યાં બાઅદબ મુજરિમ બડ઼ાઈમાં,
ગુહાર લગાવી મદદની શબ્દથી પાડી ચિત્કાર
પાડી દીધા શબ્દોને શબ્દોએ સત્તાનો અહંકાર.
