બસ, સ્મિત ઉછીનું આપો...
બસ, સ્મિત ઉછીનું આપો...
બીજું કંઈ હું ક્યાં માંગુ છું ?
બસ, સ્મિત ઉછીનું આપો,
કામણગારી આંખોથી
આ દિલ હવે ના કાપો.
રોજ સવારે થાતું મુજને,
તારા ચહેરે ઝળકું,
ચાંદ જો તું હોય ભલે,
તો હું સુરજની જેમ અડકું,
બસ, હવે તો અંતરમાં,
આ ચાંદનીને છાપો,
બીજું કંઈ હું ક્યાં માંગુ છું ?
બસ, સ્મિત ઉછીનું આપો.
વસંતના આ વૈભવથી પણ,
ચડતું તારું સ્મિત,
મન ભરીને માણું હું તો,
તું ગાતી એ ગીત,
બસ, હવે તો ટહુકી જઈને
આ હૈયાને માપો,
બીજું કંઈ હું ક્યાં માંગુ છું?
બસ, સ્મિત ઉછીનું આપો,
છાંય પાલવની કરીને,
આમ બેઠા છો તમે,
એક નજરનો જામ ભરી દો,
આમ છેટા છો તમે,
બસ, હવે તો આવકારો,
ખોલી દિલનો ઝાંપો,
બીજું કંઈ હું ક્યાં માંગુ છું ?
બસ, સ્મિત ઉછીનું આપો,

