ભરોસો કોનો કરવો
ભરોસો કોનો કરવો
જ્યારે વાડ જ ચીભડાં ગળે, ભરોસો કોનો કરવો ?
પોતાનાં જ પોતાને નડે, ભરોસો કોનો કરવો ?
સંતાનો મોટાં થઈ કરશે સેવા, એ આશ માવતરને,
પાંખો આવી જતાં જ એ ઊડે, ભરોસો કોનો કરવો ?
વહુ આવીને કરશે સેવા, એ ઓરતાં સાસુ સેવે,
પણ...વહુને તો કોઈ ફરક ન પડે, ભરોસો કોનો કરવો ?
આપણાં છે ને ? આપણે નહીં કરીએ તો કોણ કરે ?
ઉપકારનો બદલો અપકારથી મળે, ભરોસો કોનો કરવો ?
ભૂલ્યા સપ્તપદીના વચનો અને વાયદો સાથ નિભાવવાનો,
મઝધારે પહોંચી હાથ છોડે, ભરોસો કોનો કરવો ?
