ભલે નાનું છે તોય અણમોલ છે
ભલે નાનું છે તોય અણમોલ છે
નાનું છું તોય અણમોલ છું
હું આખું વૃક્ષ નથી
હું એક નાનકડું બીજ છું
તોયે બીજમાંથી વટવૃક્ષ બનવાની
તાકાત રાખું છું,
હું વિશાળ સાગર નથી
હું સ્વાતિ નક્ષત્રનું એક વર્ષા બિંદુ છું
હું છીપના મોમાં જઈ
મોતી બનવાની તાકાત રાખું છું,
હું કઈ આભે ચમકતો આખો સૂર્ય નથી
હું તો એક સોનેરી કિરણ છું
ફૂલ પર પડેલા ઝાકળ બિંદુને
મોતી જેમ ચમકાવું છું.
હું કઈ પૂરી લાઇબ્રેરી નથી
પણ એક સુંદર વિચાર છું,
માનવીની કાયાપલટ કરવાની
તાકાત હું રાખું છું,
આંકડાઓની રમતમાં હું સાવ ઝીરો છું
પણ તોયે જેની પાછળ રહું
એનું મૂલ્ય વધારી દઉં છું,
ભલે હું વિશાળ સાગર નથી
રૂમઝૂમ કરતું ગીત ગાતું ઝરણું છું,
તોય કાળમીંઢ પથ્થરને તોડવાની
તાકાત રાખું છું.