ભીંજાયો વરસાદ
ભીંજાયો વરસાદ
બૂંદે બૂંદે તારી યાદ, અપાવી રહ્યો છે વરસાદ.
મિલન હજુ તો થયું ના થયું, ને વિયોગનો વિષાદ.
ભાવ તણાં અંભોદ ઉમટ્યા, હૈયું કરે છે સાદ.
યાદોને મન વાગોળે હું, કોને કરું ફરિયાદ.
આંખો અનરાધાર વરસતી, ભીંજાયો વરસાદ.
વ્હાલાના વિયોગે વસમી, વેરણ થઈ છે રાત.
મિલન આપણું સાંજની વેળા, તું સૂરજ હું ચાંદ.
ક્ષિતિજે હું ધરતીનો પાલવ, ને તું ગગન પ્રાસાદ.
ક્ષણભરના એ મિલન પછી તો, એકલતાનો નાદ.
વિયોગનાં વાદળ આંખોમાં, યાદ તણો વરસાદ.

