ચલ મન
ચલ મન
લીધેલા અબોલાને મુઠ્ઠી વડે તોડીએ,
ચલ મન,
ફરી એજ ઉમંગને હૃદયમાં ભરીએ..
કિટ્ટા બુચ્ચાની એ રમતોમાં ઝૂમીએ,
ચલ મન,
ફરી એકવાર નવી શરારત સોચીએ..
રીસેસમાં ડબ્બાઓ એક્સચેન્જ કરીએ,
ચલ મન,
ફિલિંગ્સના ઢાંકણાં સાથે ખોલીએ..
જૂની નોટબુકને પછવાડે શૂન્ય ચોકડી રમીએ
ચલ મન,
કાગળની નૌકામાં પેન્સિલ નવી છોલીએ..
અટવાયેલી નજરુંને કટીબદ્ધ મૂકીએ,
ચલ મન,
વગર એગ્રીમેન્ટે એકમેકમાં ગળાડૂબ જીવીએ..
હોમવર્ક કરવા ટાણે તડજોડમાં લડીએ,
ચલ મન,
હાંસિયામાં ચિતરેલા ઘરને ઉજાળીએ..
નિતનવા સપનાઓને આ ફેર સજાવીએ,
ચલ મન,
મારામાં તું, તારામાં હું એ અક્ષરોને ભરીએ..
પ્રશ્નાવલી અશ્કો થકી બેકલા થઈ લૂછીએ,
ચલ મન,
વણપૂછ્યે હાસ્ય-રુદનને ખોબલે ઝીલીએ..
મૈત્રી કેરો છણકો ભાવભીના હૈયે ધરીએ,
ચલ મન,
મળવાને માળવે ઉતર ચઢ કરતા લઢીએ...
મીઠી પળો તારી મારી મમળાવીએ,
ચલ મન,
ફરી એકવાર એને યાદગાર બનાવીએ.

