ભાઈને બેન વૃક્ષ વાવજો
ભાઈને બેન વૃક્ષ વાવજો
આવો મારા બાળકો,
જન્મદિનની કાપો તમે કેક,
આવો મારા ભાઈ ને બેન,
વૃક્ષ વાવજો તમે એક.
વૃક્ષ વાવવાનો લેજો તમે,
મનમા રે ભઈલા પ્રણ,
ધરતીનો શ્વાસ છે વૃક્ષ,
વૃક્ષ વિના ધરા થાશે રણ.
વૃક્ષો વાવવાનો ને,
ઉછેરવાનો પહેરો તમે ભેખ,
આવો મારા ભાઈ ને બેન,
વૃક્ષ વાવજો તમે એક.
વૃક્ષનો ના કરતા તમે ભાઈ
આડેધડ ચારેકોર નાશ,
વૃક્ષ વગર આ ધરતી પર,
સર્વત્ર થઈ જશે સર્વનાશ.
વૃક્ષો ધરતી પર ચોમેર,
ફેલાવે પરોપકારની મહેક,
આવો મારા ભાઈ ને બેન,
વૃક્ષ વાવજો તમે એક.
ટાઢ, તડકો, વરસાદ કરે સહન
આપણને દે શીતળ છાંયો,
વૃક્ષો છે આપણા જીવનનો
સાચો ને પરોપકારી પાયો.
આવો સાથે મળીને,
લઈએ વૃક્ષો વાવવાની ટેક
આવો મારા ભાઈ ને બેન,
વૃક્ષ વાવજો તમે એક.