બાવરો બન્યો છું શ્યામ તારો
બાવરો બન્યો છું શ્યામ તારો
બાવરો બન્યો છું શ્યામ તારો,
વહેલો આંગણિયે પધારજે,
હૃદય દ્વાર ખુલ્લા છે મારા,
ભાવથી આસને બિરાજજે,
અરમાનોના તોરણિયાં બાંધુ,
સ્નેહની આરતી સ્વીકારજે,
આવકાર આપુ છું આનંદથી હું,
ઘડી રળિયામણી બનાવજે,
છપ્પન ભોગ લાગણીના ધરાવું,
પ્રેમથી ભોગને આરોગજે,
સદૃગુણના બીડા ધરાવું તુજને
અવગુણ મારા દૂર કરજે,
જ્ઞાન ભક્તિના રંગે રંગીને,
સાચો વૈષ્ણવ બનાવજે,
જીવન નૈયાનો ખેવૈયો બનીને,
મારી નાવ તું હંકારજે,
ભૂલો પડીને ભટક્યો છું હું,
સાચો રાહ બતાવજે,
રાહમાં અટકી પટકી ગયો છું
હાથ ઝાલી ઉગારજે,
દાસ છું તારો યુગો ચુગોનો,
અરજ મારી સાંભળજે,
તારા શરણે આવ્યો છે" મુરલી"
પ્રેમથી સ્વિકાર કરજે.
