અફવા
અફવા


અફવામાં રહે લાલચ કે ભયનું સત્વ
પ્રવાદે વિષય વસ્તુનું હોય છે મહત્વ
વાયકાનું બજાર રહેતું કાયમ ગરમ
ભણતર સામે થઈ જઈએ થોડા નરમ
ગણતરની ભરે આખ્યા બહુ જ શરમ
સમજો ના શાનમાં તો ભોગવો કરમ
ગુલબાંગો બેવડાવશે વાત જો ખોટી
અર્ધી કરવાની ટેવ વાત હોય મોટી
જગબત્રીસી દોડે લાગણીને વાહન
કિંવદંતીનું વિજ્ઞાન પુરે પૂરું ગહન
ભાગું હું વીજળી વેગે કોઈ ના પકડે
સંદિગ્ધ ને ચીકણી બહુ કોઈ ના જકડે
જેમ જેમ ભાગું એમ થાઉં છું સંક્ષિપ્ત
બરબાદ કરીને થાય અફવા સમાપ્ત
શ્રોતા ગમે તેટલું લ્યે ને શેષ પચાવે
બાકીના ગપગોળા ફેલાવે ને નચાવે
ગપાટા સાચા ખોટા પ્રચારનું સાધન
પંચવાયકાથી કોઈક લોક કમાય ધન
નગરચર્યા હોય અડધી આખી ખોટી
સંબંધી મિત્રોમાં મારી દ્યે ફાચર મોટી
વાતનું વતેસર હક્ક મારો જન્મજાત
ભીંતને પણ કાન એવી અમારી ભાત
સત્યને ગ્રાહક સંસારમાં એક ના મળે
અફવાની આસપાસ ટોળેટોળા ભળે
સત્ય હજુ ઘરમાં બુટની દોરી બાંધતો
જૂઠો ત્યાં જગ ફરી ઘર આવી ઊંઘતો
અફવામાં રહે લાલચ કે ભયનું સત્વ
ગપ્પાંમાં ક્યાં હોય છે ખરાઈનું તત્વ.