અંકન
અંકન
એ જરા મલકાય એવી વાત કર,
પ્રેમથી છલકાય એવી વાત કર.
આ નજર એકીટશે ઘેરી વળી,
એ હવે પલકાય એવી વાત કર.
સાવ ઠાલાં સૌ પ્રભાવિત થાય છે,
આંખ બે અંજાય એવી વાત કર.
અવનવા આકાર પથ્થરને મળે,
આરઝૂ ટંકાય એવી વાત કર !
ક્યાં સુધી આનંદ ચર્ચાસ્પદ બને ?
વેદના અંકાય એવી વાત કર.

