અમદાવાદ...સ્થાપના દિન
અમદાવાદ...સ્થાપના દિન


રૂડું રૂપાળું આ શહેર,
શિવ શક્તિની મહેર,
દેતા સંત શ્રેઠી રે મીઠા સાદડા,
તમે થાજો મહેમાન અમદાવાદના.
છ સૈકા છ વર્ષ,
ઉદ્યમે જ ઉત્કર્ષ,
પારખ્યં પાણી સુલતાને,
સસલાના મીજાજમાં,
તમે થાજો મહેમાન અમદાવાદના.
પોળમાં પોળ છસ્સો,
ઊભા ચબૂતરા બસ્સો,
જય ગુજરાતે જામે જુસ્સો રિવરફ્રંટમાં,
તમે થાજો મહેમાન અમદાવાદના.
સીદી સૈયદની જાળી,
ગઢે બીરાજે ભદ્રકાળી,
લાલ દરવાજો ઊભો છે,
લાલશાહની યાદમાં,
તમે થાજો મહેમાન અમદાવાદના.
કલા સંગીત ખમણ,
ઊષ્મા આતિથ્ય જમણ,
ખીલ્યું કાંકરિયા સંગ્રહાલય શાનમાં,
તમે થાજો મહેમાન અમદાવાદના.
રવિ ઈંદુ મંગળ
વિક્રમ વાડી વલ્લભ
સુવર્ણ અંકિત છે દાંડીકૂચ,
આઝાદી સંગ્રામમાં,
તમે થાજો મહેમાન અમદાવાદના.
ભલી પતંગ નવરાત,
ધરાના પાવન પ્રતાપ,
અડધી ચામાં વાતો,
વણાતી સવા લાખમાં,
તમે માણજો અસલ રંગ અમદાવાદના,
તમે થાજો મહેમાન અમદાવાદના.