અદ્રશ્ય આંસુ
અદ્રશ્ય આંસુ
જેનાં હોઠ મૌન
ને
આંખોની કીકીઓ પાછળ રહેતાં અદ્રશ્ય આંસું !
ઘરનાં દરેકને દેવાં રેશમની પથારી,
સૂતો હંમેશા પથ્થરની ઓથમાં !
મા ને બાપ,
ભાઈ ને બહેન,
પત્ની ને બાળકો,
નોકર ને ચાકર,
દેવાં
સૌને
રહેતો તત્પર,
અનાજ ને છાપરું !
માબાપ ને પત્ની વચ્ચે સાધતો સમતુલા,
ભાઈ બહેનનાં સંપને આપતો પ્રાધાન્ય,
શિખવાડતો રહ્યો સંતાનોને નીતિનાં પાઠ !
છૂપાવતો રહ્યો એ
છિદ્રો એનાં કપડાં ને પગરખાંનાં !
કેન્દ્રિત રહ્યું એનું ધ્યાન
પરિવારનાં સુખ શાંતિમાં હંમેશા
સૌને મળે
મનગમતાં ભોજનનો કોળિયો
ઉપેક્ષ્યા ‘સ્વ’નાં આશા ને અરમાન !
મળે ના ઉત્તરો
એવી જીવનની પરીક્ષા રહ્યો આપતો !
માને પૂજતું જગત
ભૂલી જાય પિતાનાં મૌન ત્યાગને !
પ્રગતિનાં શિખરો તય કરી
પગે પડતાં માને સંતાન !
પાછળ ઊભો એ લૂછતો આંખનાં છાનાં આંસુ !
દેખાય છે કોને એ અદ્રશ્ય આંસુ ?
