આવ રે વરસાદ
આવ રે વરસાદ
આક્રોશનાં બફારે દાઝી રહી અવની,
ભીંની ટાઢક આપવા આવ રે વરસાદ.
અગન બન્યો ઉનાળો તાપશાપ દેતો,
એ ડામનું મરહમ બની આવ રે વરસાદ.
સૂકીભઠ્ઠ લાગણીને તરબોળ કરી,
હેતથી ભીંજવવા આવ રે વરસાદ.
અધૂરાં સ્વપ્ને ઊનું થયું કોઇ અંતર,
રાહતનાં છાંટણા કરવા આવ રે વરસાદ.
તસ્વીર નિહાળીને આંખો ખૂબ થાકી,
મિલનની આશ પુરવા આવ રે વરસાદ.
પડી તિરાડો ઘણી ધરા પર ને હૈયે,
એને સમતળ કરવા આવ રે વરસાદ.
માંડી દે તું હેલી તણાવું પ્રેમનાં પૂરે,
સૂતેલા અરમાન જગાડવા આવ રે વરસાદ.
અંધાધૂંધીનો ઉકાળ વ્યાપ્યો સર્વત્ર,
સ્નેહનો સંગાથ રેલાવવા આવ રે વરસાદ.
સુકાયા ઝરણાંને કૂવાનાં તળિયા ઊંડા,
નદીઓનાં સ્તર ઊંચા કરવા આવ રે વરસાદ.
પંખી તરુવરને ધરતીપુત્રોની માગણી,
હરખથી ભરપૂર પૂરવા આવ રે વરસાદ.
જળ મહી આ સૃષ્ટિમાં જીવન ટકવાનું,
કુદરતની હાજરી પૂરવા આવ રે વરસાદ.
આક્રોશનાં બફારે દાઝી રહી અવની,
ભીંની ટાઢક આપવા આવ રે વરસાદ.
