આભ ધરાનો પ્રેમ વરસાદ
આભ ધરાનો પ્રેમ વરસાદ
લાગે છે આકાશને આજે કોઈ વઢ્યું લાગે છે,
આંસુઓનું ટીપું ટીપું ધરતી પર ઢળ્યું લાગે છે.
જાણે વર્ષો વીતી ગયા ધરા ગગનના મિલનના,
ધરતીના મેળાપની વિરહમાં ટળવળ્યુ લાગે છે,
નક્કી કોઈએ શબ્દોના ઘા વિંઝ્યા હશે નીલને,
આકરા શબ્દોના તાપમાં આભ બળ્યું લાગે છે.
મુશળધાર પડી રહ્યો છે વરસાદ સવારથી જ,
આભ જાણે ઘાયલ થઈને બહુ રડ્યું લાગે છે.
તારા ચાંદા સંગ અઢળક વાતો કરી જ હશે,
બહુ વરસે એને પોતાનું વાદળ મળ્યું લાગે છે.
વર્ષોના વરસ તપસ્યા કરી હશે ભગવાનની,
તપસ્યાનું ફળ વરસાદ સ્વરૂપે ફળ્યું લાગે છે.
લાગે છે વરસાદની પડતી આ ધારાને જોતાં,
વર્ષો પછી વસુધાને આકાશ જડ્યું લાગે છે.
મિલનની વાટ જોઈ રહેલી આખી સૃષ્ટિને હવે,
આભ ધરતીનું મિલન ગોળ જેવું ગળ્યું લાગે છે.
આભને મળવા તરસી થયેલી ધરતીને જોતાં,
ચિન્ટુને લાગે કે આ પ્રેમને કોઈ નડ્યું લાગે છે.